An IIPM Initiative
બુધવાર, મે 4, 2016
 
 

દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટ પાછળની હકીકત

 

આ વિસ્ફોટ પાછળ શંકાની સોય ખાલિસ્તાની ત્રાસવાદી સંગઠન તરફ તકાઈ રહી હોવાના કારણો રજૂ કરે છે શક્તિ શર્મા...
શક્તિ શર્મા | Issue Dated: નવેમ્બર 30, -0001
 

૧૫ જણાંનો ભોગ લેનારા અને ૭૦ લોકો જેમાં ઘાયલ થયા હતા તે દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટની ઘટનાને બે મહિનાનો સમય વીતી ગયો છે પરંતુ સાતમી સપ્ટેમ્બર હુમલાની તપાસ કરી રહેલી અને આ કેસમાં કેટલાકની ધરપકડ કરનારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) હજુ સુધી આ કેસમાં કોઈ નક્કર પરિણામો સુધી પહોંચી શકી નથી.

 જોકે ધ સન્ડે ઈન્ડિયનની તપાસ સૂચવે છે કે આ બોમ્બ વિસ્ફોટ પાકિસ્તાનની સરહદમાં કામ કરતા કોઈ ત્રાસવાદી સંગઠન નહીં પરંતુ જમ્મુ સ્થિત ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડએફ)ના ત્રાસવાદીઓનું કારસ્તાન હોઈ શકે છે. ત્રાસવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકો અને ટાઈમિંગ ડિવાઈસીસ તથા મોડસ ઓપરેન્ડી શંકા જગાવે છે કે ભારતની સરહદ બહારના ત્રાસવાદી સંગઠનોએ કાવતરાંખોરોને થોડીક મદદ પૂરી પાડી હોઈ શકે છે પરંતુ હાઈકોર્ટની બહાર વિસ્ફોટ તો ખરેખર કેઝેડએફના ભેજાની જ પેદાશ હતી.

 દિલ્હીમાં ત્રાસવાદી હુમલો કરવાના પ્રયાસરૂપે ત્રાસવાદીઓએ આરડીએક્સ કે તેનું મિશ્રણ અથવા આરડીએક્સ અને કોલસાનો ઉપયોગ કર્યો હતો અને તેને ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રિક અથવા રિમોટ કંટ્રોલ ડિવાઈસની મદદથી વિસ્ફોટ કર્યો હતો. ૧૯૯૦થી દિલ્હીમાં થયેલા વિવિધ મોટા બોમ્બ વિસ્ફોટોમાં વપરાયેલા વિસ્ફોટકોનું આકલન કરીએ તો જણાય છે કે માત્ર એક જ વખત ૧૯૯૫ના કોનોટ પ્લેસ વિસ્ફોટમાં જ ત્રાસવાદીઓએ પીઈટીએન (પેન્ટાઈરીથ્રિટોલ ટેટ્રાનાઈટ્રેટ) અને નોન ઈલેક્ટ્રોનિક પેન્સિલનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ બ્લાસ્ટમાં ૧૬ વર્ષ પછી પીઈટીએનનો ઉપયોગ થયો હતો. એ કોઈ યોગાનુયોગ નથી કે ૧૯૯૫ના કોનોટ પ્લેસ બ્લાસ્ટમાં પણ ખાલિસ્તાની ત્રાસવાદી સંગઠનની જ સંડોવણી હતી.

 સાતમી સપ્ટેમ્બરના વિસ્ફોટમાં વપરાયેલા વિસ્ફોટકો પીઈટીએન હોવાનું સ્પષ્ટ થયું છે. જે ટાઈમરનો ઉપયોગ થયો હતો તે નોન-ઈલેક્ટ્રોનિક હતું. પુરાવા માટે હાઈકોર્ટ વિસ્તારની ઝીણવટભરી તપાસ કરનાર ફોરેન્સિક નિષ્ણાંતોને કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ કે બેટરી ઓપરેટેડ ટાઈમરના પુરાવા મળી શક્યા ન હતા. યોગાનુયોગે આ વર્ષે ૨૫મી મેના રોજ ભારતના રાષ્ટ્રપતિએ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના દવિન્દરપાલ સિંહ દ્વારા કરાયેલી દયાની અરજી નકારી કાઢ્યાના થોડા જ કલાકોમાં દિલ્હી હાઈકોર્ટની બહાર હળવી માત્રાનો વિસ્ફોટ થયો હતો.

 દિલ્હીમાં ૧૦મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ બોમ્બ ધડાકા સંદર્ભે ભુલ્લરને માર્ચ ૨૦૦૩માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં નવ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા જ્યારે તે વખતના યુવા કોંગ્રેસ પ્રમુખ મનિન્દરજિત સિંહ બિટ્ટાને ગંભીર ઈજાઓ થઈ હતી. મે, ૨૦૧૧ના રોજ દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટ કદાચ નિષ્ફળ રહેલો ત્રાસવાદી હુમલો હતો અથવા કેઝેડએફ દ્વારા અપાયેલી ચેતવણીનો સંકેત હતો.

 ઓક્ટોબરના પ્રારંભે એનઆઈએએ દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટ પાછળના કાવતરા સંદર્ભે કથિતપણે મહત્ત્વની કડી હોવા બદલ વસિમ એહમદ નામના કાશ્મીરી મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ પહેલાં એનઆઈએ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ત્રણ જણાં પૈકી એકને પુરાવાના અભાવે છોડી દેવાયો હતો. બાંગ્લાદેશમાં યુનાની મેડિસિનના વિદ્યાર્થી વસિમની હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદી જુનૈદ અકરમના ઠામઠેકાણાં વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જુનૈદ દિલ્હી વિસ્ફોટના મુખ્ય કાવતરાંખોરો પૈકીનો એક હોવાનું મનાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

 એનઆઈએના તપાસકર્તાઓને મળેલી માહિતીના આધારે આગળ વધતાં શંકાની સોય પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન તરફ ઈશારો કરે છે. શરૂઆતમાં હરકત-ઉલ-જેહાદ-ઈસ્લામી (હુજી) દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટ પાછળ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. એનઆઈએએ દિલ્હી હાઈકોર્ટના ધડાકા પછી ઈમેલ કરવાના આરોપસર હાઈસ્કૂલના એક વિદ્યાર્થી આબિદ અબ્બાસની ધરપકડ પણ કરી હતી. કેઝેડએફ હજુ સુધી એનઆઈએની રડાર પર સ્પષ્ટપણે આવ્યું નથી.

 આ સંગઠન હાથ બનાવટના દેશી બોમ્બ તથા આધુનિક વિસ્ફોટકો બનાવવાની ક્ષમતા ધરાવે છે. ૧૯૯૫માં કેઝેડએફે કોનોટ પ્લેસમાં એક પેન્સિલ ટાઈમરની મદદથી ભારે મારક ક્ષમતા ધરાવતો પીઈટીએન બોમ્બ ધડાકો કર્યાના બે મહિના બાદ ત્રણ દેશી બોમ્બથી વિસ્ફોટો કર્યા હતા જેમાં ૨૪ને ઈજા થઈ હતી. ભુલ્લરને જર્મનીથી ભારત મોકલવામાં આવ્યો પછી આ વિસ્ફોટો થયા હતા. ભુલ્લર બનાવટી પાસપોર્ટના આધારે જર્મની નાસી ગયો હતો અને રાજકીય આશ્રય આપવાની તેની વિનંતીને જર્મન સરકારે ફગાવી દીધી હતી.

 ૧૯૯૫ના વિસ્ફોટ કેસમાં કેઝેડએફના પાંચ ત્રાસવાદીઓની ધરપકડ થઈ હતી. હત્યાનો પ્રયાસ અને વિસ્ફોટક કાયદાની કેટલીક કલમો હેઠળ તેમના પર આરોપો મૂકવામાં આવ્યા હતા. ત્રણ ક્રૂડ બોમ્બ વિસ્ફોટોના કેસમાં મોહિન્દરસિંહ ખાલસાની ધરપકડ થઈ હતી જ્યારે કોનોટ પ્લેસ વિસ્ફોટમાં કેઝેડએફના ચાર ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ધરપકડોમાં પંજાબના હરદીપસિંહ અને કુલવિન્દરસિંહ તથા જમ્મુ-કાશ્મીરના ફારૂક એહમદ અને ફરિદાનો પણ સમાવેશ થતો હતો. આ બધા જ ધરપકડ કરાયેલા ત્રાસવાદીઓ હાલ જેલની બહાર છે.

 રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કબ્જે કરાયેલા વિસ્ફોટકોને જોતાં જણાય છે કે કાશ્મીરી ત્રાસવાદી જૂથો પાસેથી આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે મોટાભાગના પીઈટીએન બોમ્બ શીખ ત્રાસવાદીઓ પાસેથી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા. આનાથી એ શંકા પ્રબળ બને છે કે દિલ્હી હાઈકોર્ટ વિસ્ફોટ પાછળ શીખ ત્રાસવાદીઓની ભૂમિકા હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રો કહે છે કે કોઈપણ જાતની તાલિમ વિના ભારે ક્ષમતાવાળો બોમ્બ બનાવવાનો સરળ રસ્તો એ છે કે આરડીએક્સ, પીઈટીએન અથવા પ્લાસ્ટિક વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવે અને તેને પેન્સિલ ટાઈમરથી ઉડાવી દેવામાં આવે. વિસ્ફોટકમાં ટાઈમર કમ ડિટોનેટિંગ ડિવાઈસ ઉમેરીને ડિવાઈસની ટોપ પરનું બટન જ ઘુમાવવાનું રહે છે.

 આ ઉપરાંત ત્રાસવાદી સંગઠનો તેમના સ્લીપર એજન્ટો પાસેથી વિસ્ફોટકોનો પુરવઠો મેળવે છે. આ સ્લીપર એજન્ટો વિશાળ માત્રામાં વિસ્ફોટકોનો પુરવઠો તેમની પાસે ધરાવે છે અને બે કે ત્રણ વિસ્ફોટો હાથ ધરવા માટે વિસ્ફોટકો પૂરા પાડતા હોય છે. આવું એટલા માટે કરે છે કારણ કે જો એક ત્રાસવાદી ગ્રૂપનું પગેરૂં મળી જાય તો બાકીના વિસ્ફોટકો સલામત રહે અને બીજા કોઈ સંગઠનને તે પૂરા પાડી શકાય.

 ૧૯૯૫ના કોનોટ પ્લેસ વિસ્ફોટ પછી બીજા કોઈ ત્રાસવાદી હુમલામાં પીઈટીએનનો ઉપયોગ થયો નથી. એવી પણ શંકા છે કે કેઝેડએફના કોઈ ગ્રુપે અગાઉના કન્સાઈન્મેન્ટમાં રહી ગયેલા વિસ્ફોટકોની મદદથી દિલ્હી હાઈકોર્ટની બહાર વિસ્ફોટ કર્યો હોય. આ શંકાને એ હકીકત પરથી બળ મળે છે કે તાજેતરમાં અંબાલાથી એક કારમાંથી મળી આવેલો આરડીએક્સનો જથ્થો દિલ્હીમાં બે વિસ્ફોટો કરવા માટેનો હતો. આરડીએક્સની માત્રા ભલે પાંચ કિલોની જ હતી પરંતુ બે ટાઈમર્સ અને પાંચ ડિટોનેટર્સ પણ મળી આવ્યા હતા. સામાન્ય રીતે ત્રાસવાદીઓ એક બોમ્બ બનાવવા માટે બે ડિટોનેટર્સનો ઉપયોગ કરે છે. આવું એટલા માટે કરે છે કે જો એક ડિટોનેટર નિષ્ફળ જાય તો બોમ્બ ઉડાવી દેવા માટે બીજાનો ઉપયોગ કરી શકાય. દિલ્હી પોલીસ ભલે દાવો કરતી હોય કે કબ્જે કરાયેલો આરડીએક્સનો જથ્થો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો હતો પરંતુ જમ્મુ-કાશ્મીરના ડીજીપી કુલદીપ ખોડા સ્પષ્ટપણે કહે છે કે ૧૨મી ઓક્ટોબરે કબ્જે કરવામાં આવેલા વિસ્ફોટકો બબ્બર ખાલસા માટે નહીં પરંતુ કેઝેડએફ માટે હોઈ શકે છે કે કારણ કે એ સંગઠન કાશ્મીરમાં કાર્યરત નથી.

 પોલીસને અહેવાલો મળ્યા છે કે કેઝેડએફ જમ્મુમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખોડાએ જણાવ્યું હતું કે કબ્જે કરવામાં આવેલા વિસ્ફોટકો જમ્મુ-કાશ્મીરથી મોકલવામાં આવ્યા હોવાનું જણાયું હતું પરંતુ સૂત્રધાર રાજ્યમાં ગમે ત્યાં હોઈ શકે તેમ છે. કેઝેડએફની ભૂમિકા સ્પષ્ટ બની રહી છે ત્યારે જમ્મુમાં કોઈ સ્થળેથી વિસ્ફોટકો મળ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.

આ લેખને રેટિંગ આપો:
ખરાબ ઉત્તમ    
વર્તમાન રેટિંગ 5.0
Post CommentsPost Comments
અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને